આ ધંધા માટે પ્રોકેમ, વલ્ડર્ટેલ, પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ અને ખાસ તો ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ નામની કંપનીઓ પડાપડી કરે છે. મુંબઈના ક્રિકેટ એસોસિયેશનવાળા શરદ પવાર અને બીજાની દાઢીમાં હાથ નાખીને મુંબઈમાં કે જગતમાં કયાંય પણ ક્રિકેટની મેચ રમાય તેના ટીવી પ્રસારણના હકો, તેના તમામ મેનેજમેન્ટની માથાકૂટ આ બધી કંપનીઓ કરે છે. તેમાં સૌથી મોખરાનું નામ ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ છે.
શિકાગોમાં એક પુસ્તક પ્રકાશક નેડ મેક્કોરમાકને ત્યાં જન્મેલો માર્ક મેક્કોરમાક બચપણથી ગોલ્ફ્ર, ફૂટબોલ અને ક્રિકેટનો શોખીન હતો. તેણે કાનૂનની ડિગ્રી લીધા પછી થોડો સમય અમેરિકન લશ્કરમાં સોલ્જરી કરી. તે એક કસાયેલા શરીરવાળો એથ્લીટ હતો. તેને ૧૯૫૮માં ગોલ્ફ ચેમ્પિયનશિપ માટે પસંદ કરાયેલો. લશ્કરમાંથી છૂટા થયા પછી અમેરિકાના કિલવલેન્ડ શહેરમાં તે કાનૂની પેઢીમાં કારકુનિયું કામ કરીને થાકયો. તેણે જોયું કે રમતગમતના આયોજક શેઠિયાઓ ખૂબ કમાતા હતા અને ખેલાડીઓને થોડાક ડોલર આપીને રીઝવાતા હતા. અમુક ખેલાડીને તો તેનાં ફાટેલાં જોડાં નવાં લેવાના પૈસા પણ નહોતા. ભારતના ક્રિકેટરોની વાહ વાહ થતી પણ પછી ગરીબીમાં કયાં સબડે છે તેના કોઈ વાવડ નહોતા. કારકુની છોડીને ઝુંબેશ ઉપાડી કે તે જગતભરના સ્પાટ્ર્સમેનોને મરતાં સુધી અને મરણ પછી તેની વિધવાઓને પણ કામ લાગે તેટલી કમાણી કરતાં કરશે. ઉપરાંત એક એક જુવાન જેને સ્પોટર્સમાં (કોઈ પણ સ્પોટર્સ) માહેર થવું હોય તેની એકેડેમી સ્થાપવી. છોકરીઓ માટે ટેનિસની ઘનિષ્ઠ તાલીમ આપતી ટેનિસ એકેડેમી સ્થાપવી. સૌપ્રથમ તેણે અમુક ખેલાડીઓ જે પોતાનાં ક્ષેત્રે ચેમ્પિયન હતા તેને સાઘ્યા. ટેનિસમાં જોન બોર્ગે, ક્રિસ એવર્ટ, પીટ સામ્પ્રાસ વગેરેને અઢળક નાણાં અપાવ્યાં. વિવિધ કંપનીઓના લોગોવાળાં ટી-શટર્ પહેરાવીને દરેકને રૂ.૧૦ કરોડથી રૂ.૫૦ કરોડના કોન્ટ્રાકટ કરાવી રાતોરાત કરોડપતિ બનાવ્યા. તેણે આ બધું કરવા માટે એક વ્યવસ્થિત કંપની નામે ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ સ્થાપીને કિલવલેન્ડ શહેરથી થોડે દૂર ડાઉનટાઉનમાં કામ શરૂ કર્યું.
માર્ક મેક્કોરમાકની મૌલિક સૂઝ એ હતી કે જો ખેલાડી ખૂબ લોકપ્રિય થાય તો પછી આ કમર્શિયલ યુગમાં તેનું નામ વાપરીને ખેલાડી કમાય. સાથે કંપનીઓ પણ કમાય તેવો તુક્કો ઘડી કાઢ્યો. પણ આવો તુક્કો તેને કેમ આવ્યો? એક વખત બ્રિટિશ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ૧૯૬૯માં ટોની જેકલીન ચેમ્પિયન થયો ત્યારે એક બોલિન્જર નામનો માણસ હાથમાં શેમ્પેન તરીકે ઓળખાતા શરાબની બોટલ લઈને આવ્યો. તેણે કહ્યું મારે ટેનિસ ચેમ્પિયન સાથે ફોટો પડાવવો છે.એ સમયે જ મેક્કોરમાકના કાન ચમકયા. જો ટેનિસ ચેમ્પિયન સાથે કોઈને ફોટો પડાવવો હોય અને હાથમાં શેમ્પેનની બોટલ હોય તો બ્રાન્ડના શેમ્પેનની કિંમત વધી જાય છે. એટલે શેમ્પેનના નિર્માતાને સાધીને તેણે શેમ્પેનની અમુક બ્રાન્ડને પ્રચલિત કરવા સ્પોટ્ર્સમેનોને પૈસા અપાવવાનું શરૂ કર્યું.પ્રથમ સોદો હેન્ઝ ફૂડ કંપની જે કેચઅપ બનાવે છે તે કેચઅપની બોટલ એક ખેલાડીના હાથમાં પકડાવીને તે ખેલાડીને તેણે ૫૦૦ ડોલર આપ્યા. હેન્ઝ ફૂડ કંપનીએ ખુશીથી આપ્યા. બસ, પછી તો આખો કન્ઝયુમર-યુગ ઊભો થયો. પેપ્સી, કોકાકોલા, ખાધોના નાસ્તા, અમુક બ્રાન્ડના ટેનિસ રેકેટ, ટી-શટર્, શૂઝ વગેરે બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ મેક્કોરમાકની સેવા લઈને સ્પોટર્સમેનોને પોતાની ચીજોના વખાણ કરતા ટીવી પર અને અખબારોમાં ચમકાવ્યા. બસ ત્યારથી સચિન જેવાના નસીબ ઝળકયા.જયારે ગોલ્ફના ખેલાડી ટાઇગર વુડને ૧૯૯૯માં રૂ.૩૦૦ કરોડ એક એન્ડોર્સમેન્ટ (અમુક ચીજને પ્રચલિત કરવાનો કરાર) માટે મળ્યો ત્યારે અમેરિકનોને થયું કે ગોલ્ફ રમવામાં ચેમ્પિયન થવાય તો પૈસાનો વરસાદ વરસે છે. માર્ક મેક્કોરમાકે ૧૯૬૨માં એક કંપની શરૂ કરી. માત્ર સ્પોટર્સમેન જ નહીં, પ્રવચકો, સંતો-મહંતો રોમના પોપ, રાજકારણીઓ તે તમામને પબ્લિસિટી આપવાની ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કંપની શરૂ કરી. દા.ત. ધોનીને સ્પોટ્ર્સમાં રૂ.૬ કરોડ કોઈ બ્રાન્ડમાંથી કમાવી આપે તો આઈએમજીને તેમાંથી ૨૫થી ૩૦ ટકા કમિશન મળે. એટલે લગભગ રૂ. દોઢથી બે કરોડ મળે. આમ, ખેલાડીને તેના ખેલ ઉપરાંત જાહેરખબરમાં સ્પોન્સરશિપ આપવાનાં અઢળક નાણાં મળવા માંડયા છે. ક્રિકેટરો ગરીબીમાં મરતાં તેને બદલે ધનમાં આળોટે છે. થેન્કસ ટુ મેક્કોરમાક.માર્ક મેક્કોરમાકે ગ્લોબલાઇઝેશનની કલ્પના છેક ૧૯૭૦માં કરેલી અને તેમાં સ્પોટ્ર્સ તો સૌથી વધુ ગ્લોબલાઇઝ્ડ થશે અને તેવું જ બન્યું છે તે તમે જોઈ શકો છો. સ્પોટર્સ એક જબ્બર આંતરરાષ્ટ્રીય ધંધો છે. વિખ્યાત મુક્કાબાજ મોહમ્મદઅલી, પીટ સામ્પ્રાસ, માર્ટિના હિન્ઝીસ જેવા ટેનિસ ખેલાડીઓ, ફૂટબોલના સ્ટારો અને હોકીના ખેલાડીઓનો જાહેરખબરમાં ઉપયોગ કરીને તેને કમાવ્યા. તેમાંથી મેક્કોરમાકને જે કમિશન મળતું તે ૧.૧૫ અબજ ડા"લર જેટલું નવ વર્ષ પહેલાં મળેલું.આજે ૨૦ ગણું કમાય છે. ૩૩ દેશોમાં તેણે ત્યારે ૭૦ ઓફિસો ખોલી. દા.ત. ચૂંટણીમાં રાહુલ ગાંધીને પ્રચલિત કરવો હોય, લાલકષ્ણ અડવાણીના વ્યકિતત્વને ખીલવવું હોય, કોઈ મોટી સ્પોટર્સની નવી ટૂર્નામેન્ટ યોજવી હોય તે તમામ કામ તેની કંપની કરતી. ૧૯૬૦માં કોઈને કલ્પના નહોતી તેવા ધંધામાંથી માર્ક મેક્કોરમાક કમાયો અને પછી તો વર્લ્ડ ફૂટબોલ કપ, વર્લ્ડ ક્રિકેટ કપ વગેરે અનેક ભવ્ય ખેલોના મેળા યોજવા માંડયો. તેમાંથી અબજપતિ બન્યો.તેણે તેની કંપનીના કામમાં વિવિધતા આણી. દાખલા તરીકે નોબેલ શાંતિ પારિતોષિક આપનારી સ્વિડનની સંસ્થા છે તે નોબેલ પ્રાઇઝ જાહેર કરીને સમારંભ યોજે તો તેની વ્યવસ્થા કરવી. પછી એક જમાનામાં લગભગ ૫૭૧ જેટલા વિશ્વ ખેલાડીઓના ટેકસની સમસ્યાઓ તેમ જ ૯૨ કંપનીઓના ટેકસ રિટર્ન તૈયાર કરી આપવાનું કામ મેક્કોરમાકે શરૂ કર્યું. કયા સ્પોટ્ર્સમેનને સ્પોન્સર કરવા અગર ટ્વેન્ટી૨૦ મેચોનું સ્પોન્સરિંગ કેમ કરવું તેની સલાહ તે આપવા માંડયો. સાથે સાથે તે મેનેજમેન્ટમાં કામ લાગે તેવાં પુસ્તકો પ્રગટ કરવા માંડયો. તેની ઉપર આક્ષેપ હતો કે સ્પોટર્સને તેણે ઓવર કમર્શિયલાઇઝેશન કર્યું.તે મહેણાંનો તેણે નક્કર જવાબ આપ્યો કે શું તમારે ખેલ અને ખેલાડીમાં મજા લઈને ખેલાડીને સાવ મફતમાં હીરો બનાવીને પછી ભૂખે મારવો છે? આ જગતમાં બધું જ કમર્શિયલાઇઝ્ડ છે. મેક્કોરમાક કેટલાક અમેરિકન રાજકારણીના ચૂંટણી પ્રચારના વ્યૂહને પણ સંભાળતો. સ્પોટર્સમેનોને ૨૦૦૩ સુધીમાં રૂ.૨૫૦૦૦ કરોડ જેટલી સ્પોન્સરશિપની રકમ અપાવીને તે મર્યો. આવી ધૂનમાં તેનું પ્રથમ લગ્ન નિષ્ફળ ગયું. તેના બાળકો અને પત્નીને તે બહુ ઓછું ઘ્યાન આપી શકતો. ૬૩ ટકા સમય બીજાને ઊચે લાવવામાં ગાળતો. તેને કારણે જ ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોને માન્ચેસ્ટરની ફૂટબોલ કલબે અધધધ રૂ. ૬૪૦ કરોડ આપીને કલબમાં જોડયો છે.માર્ક મેક્કોરમાકે ‘ધ વનહંડે્રડ ટેન પરસન્ટ સોલ્યુશન’ નામનું પુસ્તક લેખકો, ખેલાડી, રાજકારણી અને વેપારીઓની પ્રેરણા માટે લખ્યું છે, તેમાં તમામને સલાહ આપી છે કે બે હાથે લાડવો ન ખવાય. તમારે સ્પોટર્સમાં, લેખનમાં, પત્રકારત્વમાં, રાજકારણમાં કે ધંધામાં સફળ થવું હોય તો કૌટુંબિક જીવન અને રોમાન્સ વગેરેનો ભોગ આપવો પડે. જોન બોર્ગ સતત પાંચ વખત વિમ્બલ્ડનની ટેનિસ ટૂર્નામેન્ટ જીતેલો. બોર્ગનું સમગ્ર જીવન ટેનિસની પ્રેકિટસમાં જતું. તે તેની ગર્લફ્રેન્ડ કે મા-બાપનું ઘ્યાન રાખી શકયો નહોતો. ક્રિકેટરોએ પણ અંગત જીવનનો ભોગ આપવો પડે છે. મેક્કોરમાકનું આ અંતે સાંભળો None of us can guarantee that we will get what we want from life. But unless you make sacrifice and have a passion to succeed you will never win. તેમને સફળ થવાનો નાદ છે? જીવનમાં સફળતાની કોઈ ગેરંટી નથી પણ તમને જો પેશન હોય અને જીવનના ઘણા ભોગ આપવા તૈયાર હો તો તમે જરૂર જીતશો.
By KAnti Bhatt
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment